ડિજિટલ સંસ્કાર, વિવાહથી વિઝા સુધી

ડિજિટલ સંસ્કાર, વિવાહથી વિઝા સુધી

તમારો પહેલો પ્રભાવ એ જ તમારો છેલ્લો પ્રભાવ છે. એટલે જ તમારા સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ તમારા રિયલ કેરેક્ટરનું પ્રતિબિંબ હોવા જોઈએ, કારણ કે આજે રૂબરૂ મળતા પહેલા અને રૂબરૂ મળવાની ઈચ્છા કરતા પહેલા લોકો એક બીજાને ઓનલાઈન મળી લેતા હોય છે, પછી નોકરીની બાબત હોય કે લગ્ન બાબત, વ્યવસાય હોય કે વિઝા, તમારો સોશિયલ મીડિયા પ્રોફાઇલ સામેવાળી વ્યક્તિને તમારા વિષય ઘણું કહી દેતો હોય છે.

સોશિયલ મીડિયાના આગમન બાદ કોઈ પણ વ્યક્તિને જજ કરવી અત્યંત સરળ બની ગયું છે.

તમે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેવી રીતે વર્તો છો, કોને ફૉલો કરો છો, ક્યાં અને કેવી કમેન્ટ કરો છો, એ બધું પબ્લિક ડોમેન પર હોવાના કારણે તમારી સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓ તમારા વિષે જાણવાની ઈચ્છા ધરાવનારા દરેક વ્યક્તિઓ ખૂબ જ સહેલાઈથી જોઈ શકે છે, તમારા વિશે મત બાંધી શકે છે, તમને અનુલક્ષીને મહત્વનાં નિર્ણય લઈ શકે છે.

તમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પિક્ચર, વૉટ્સએ ડિસપ્લે પિક્ચર, તમારા સ્ટેટસ મેસેજ, પોસ્ટ અને સ્ટોરીઝ આ તમામ બાબતો ઘણા અંશ સુધી તમારા વ્યક્તિત્વ વિશે કહી દે છે.

આજે કદાચ સોશિયલ મીડિયા મારફતે તમે કેટલા વાગે સુઈ જાઓ છો ક્યારે જાગો છે એ બધું જ જાહેર થઈ જાય છે.

આજ કાલ બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કંપની કે જે તમારા વર્તન અને ચરિત્રનું એનાલિસિસ કરી તપાસ કરાવનાર વ્યક્તિને તમારા વિશેનો રિપોર્ટ બનાવીને આપતી હોય છે, તેઓ મુખ્યત્વે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. તમે કોની સાથે સૌથી વધારે ફોટો અપલોડ કર્યા છે. તમે કઈ જગ્યાએ જવાનું વધારે પસંદ કરો છો, તમે કોના પેજ પર સૌથી વધુ કમેન્ટ્સ કરી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તમારા વિશે એક ચોક્કસ રિપોર્ટ બને છે અને તમારી ઇન્કવાયરી કરનાર કંપની અથવા વ્યક્તિને આપે છે. એક અહેવાલ મુજબ યુએસ વિઝા આપતા પહેલા તમારું સોશિયલ મીડિયા સ્કીનિંગ ચોક્કસ રીતે થાય છે.

સોશિયલ મીડિયા પર ફ્રીડમ ઓફ સ્પીચ ભલે છે, પણ કોઈ વ્યક્તિ, અભિપ્રાય, ધર્મ, જતિ કે બ્રાન્ડ પ્રત્યેનો અણગમો તમારા ભવિષ્યનાં મહત્વના નિર્ણયોમાં નડતર રૂપ ના બને એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમે 140ની સ્પીડ પર ગાડી ચલાવી રહ્યા છો એનો ફોટો પાડી સોશિયલ મીડિયા પર અપલોડ કરતા પહેલા ભવિષ્યમાં નડનારો અકસ્માતનો કેસ અને ઈયોરન્સ ક્લેમને ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે.

ટીપ: સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા. ઘર, સમાજ, દેશ તેમજ સોશિયલ મીડિયા પર શાબ્દિક સ્વચ્છતા મહત્ત્વની છે. મારા પ્રોફાઈલ પર આવતી અભદ્ર કમેન્ટ અથવા વિચારભેદ ધરાવતી કમેન્ટનો વળતો જવાબ આપવા કરતા આવી બાબતો ઇગનોર કરવી વધારે હિતાવહ છે.